પ્રજનનનું મહત્ત્વ (Importance of Reproduction) : પ્રત્યેક સજીવ માટે જાતિઓનું સાતત્ય પેઢી દર પેઢી જાળવી રાખવા માટે પ્રજનન આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. જો સજીવો પ્રજનન ન કરે તો તેમની જાતિ લુપ્ત થઈ જાય.
પ્રજનનના પ્રકારો (Modes of Reproduction) : પ્રાણીઓમાં પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે : 1. લિંગી પ્રજનન (Sexual Reproduction) 2. અલિંગી પ્રજનન (Asexual Reproduction)
લિંગી પ્રજનન (Sexual Reproduction) : એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નરજન્યુ (શુક્રકોષ) અને માદાજન્યુ (અંડકોષ) નું જોડાણ થઈને યુગ્મનજ (Zygote) બને છે અને તેમાંથી નવો સજીવ વિકાસ પામે છે, તેને લિંગી પ્રજનન કહે છે. દા.ત., મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી, દેડકો વગેરે.
નર પ્રજનન અંગો (Male Reproductive Organs) : તેમાં એક જોડ શુક્રપિંડ (Testis), બે શુક્રવાહિનીઓ (Sperm ducts) અને એક શિશ્ન (Penis) આવેલા હોય છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં નરજનનકોષો ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષો (Sperms) કહે છે. પ્રત્યેક શુક્રકોષ સૂક્ષ્મ અને એકકોષી રચના છે, જેમાં શીર્ષ (Head), મધ્ય ભાગ (Middle piece) અને પૂંછડી (Tail) હોય છે. પૂંછડી શુક્રકોષને હલનચલન કરવામાં મદદ કરે છે.
માદા પ્રજનન અંગો (Female Reproductive Organs) : તેમાં એક જોડ અંડપિંડ (Ovaries), અંડવાહિનીઓ (Fallopian tubes) અને ગર્ભાશય (Uterus) આવેલા હોય છે. અંડપિંડ માદાજન્યુ ઉત્પન્ન કરે છે જેને અંડકોષ (Ova / Egg) કહે છે. મનુષ્ય સ્ત્રીમાં દર મહિને બેમાંથી એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશયમાં શિશુનો ગર્ભ વિકાસ પામે છે. (શાહમૃગનું ઈંડું સૌથી મોટો કોષ છે).
ફલન (Fertilisation) : શુક્રકોષ અને અંડકોષના જોડાણની પ્રક્રિયાને ફલન કહે છે. ફલન દરમિયાન બંને કોષકેન્દ્રો જોડાઈને એક યુગ્મક કોષકેન્દ્ર બનાવે છે, જેથી ફલિત અંડકોષ એટલે કે યુગ્મનજ (Zygote) નું નિર્માણ થાય છે. આ યુગ્મનજ જ નવા સજીવની શરૂઆત છે. બાળકને માતા અને પિતા બંને તરફથી આનુવંશિક લક્ષણો મળે છે.
અંતઃફલન (Internal Fertilisation) : જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. દા.ત., મનુષ્ય, ગાય, ભેંસ, કૂતરા અને મરઘી.
ટેસ્ટટ્યુબ બેબી અને IVF (In Vitro Fertilisation) : સ્ત્રીઓમાં જ્યારે અંડવાહિની બંધ હોય ત્યારે કુદરતી ફલન થઈ શકતું નથી. આવા કિસ્સામાં ડોક્ટર અંડકોષ અને શુક્રકોષને બહાર શરીરની બહાર કાચની નળી/ટેસ્ટટ્યુબમાં ફલિત કરે છે જેને IVF (શરીરની બહાર ફલન) કહે છે. ફલન થયા બાદ યુગ્મનજને એક અઠવાડિયા પછી માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરાય છે, જ્યાં બાળકનો સામાન્ય વિકાસ થાય છે. આ રીતે જન્મેલા બાળકને ટેસ્ટટ્યુબ બેબી કહે છે.
બાહ્યફલન (External Fertilisation) : જે ફલનક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર (સામાન્ય રીતે પાણીમાં) થાય છે, તેને બાહ્યફલન કહે છે. દા.ત., દેડકા, માછલી, સ્ટારફિશ વગેરે જલીય પ્રાણીઓ. દેડકામાં માદા એકસાથે સેંકડો જેલીયુક્ત ઈંડાં પાણીમાં મૂકે છે અને નર તેના પર શુક્રકોષો મુક્ત કરે છે.
ભ્રૂણનો વિકાસ (Development of Embryo) : યુગ્મનજ વારંવાર કોષ વિભાજન પામીને કોષોનો ગોળો બનાવે છે. ત્યારબાદ કોષો પેશીઓ અને અંગોમાં ફેરવાય છે, જેને ભ્રૂણ (Embryo) કહે છે. ભ્રૂણ આગળ વૃદ્ધિ પામવા ગર્ભાશયની દીવાલ પર સ્થાપિત થાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગો (હાથ, પગ, માથું, આંખ, કાન) ઓળખી શકાય તેને ગર્ભ (Foetus) કહે છે.
અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ : • અપત્યપ્રસવી પ્રાણીઓ (Viviparous Animals) : જે પ્રાણીઓ સીધા બચ્ચાંને જન્મ આપે છે તેને અપત્યપ્રસવી કહે છે. દા.ત., મનુષ્ય, ગાય, કૂતરા, બિલાડી. • અંડપ્રસવી પ્રાણીઓ (Oviparous Animals) : જે પ્રાણીઓ ઈંડાં મૂકે છે અને ઈંડાંમાંથી બચ્ચું બહાર આવે છે તેને અંડપ્રસવી કહે છે. દા.ત., મરઘી, ગરોળી, પતંગિયા, દેડકો, પક્ષીઓ.
કાયાંતરણ (Metamorphosis) : કેટલાક પ્રાણીઓના નવજાત બચ્ચાં પુખ્ત પ્રાણીથી સાવ અલગ દેખાય છે. કેટલાક વિશિષ્ટ પરિવર્તનો દ્વારા ડિંભ (લારવા / ટેડપોલ) નું પુખ્ત સજીવમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. દા.ત., રેશમના કીડાનું જીવનચક્ર (ઈંડું → ઈયળ/કેટરપિલર → પ્યુપા → પતંગિયું) અને દેડકાનું જીવનચક્ર (ઈંડાં → ટેડપોલ → પુખ્ત દેડકો).
અલિંગી પ્રજનન (Asexual Reproduction) : એવા પ્રકારનું પ્રજનન કે જેમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે છે અને ફલન વગર સંતતિ પેદા થાય છે, તેને અલિંગી પ્રજનન કહે છે. પ્રાણીઓમાં મુખ્ય બે રીતો છે : 1. કલિકાસર્જન (Budding) : હાઈડ્રા જેવા સજીવના શરીર પરથી એક કે તેથી વધુ ઉપસેલા ભાગો (કલિકા – Bud) વિકાસ પામીને છૂટા પડે છે અને નવો સજીવ બને છે. (યીસ્ટમાં પણ કલિકાસર્જન જોવા મળે છે). 2. દ્વિભાજન (Binary Fission) : અમીબા જેવા એકકોષી સજીવમાં પ્રથમ કોષકેન્દ્રનું બે ભાગમાં વિભાજન થાય છે અને ત્યારબાદ કોષરસ વિભાજિત થઈ બે સંતતિ અમીબા બને છે. તેને દ્વિભાજન કહે છે.
ક્લોનિંગ (Cloning) – ડૉલી ઘેટું : ક્લોનિંગ એ કોઈ સજીવ કે કોષની આબેહૂબ કૃત્રિમ નકલ તૈયાર કરવાની પદ્ધતિ છે. સ્કોટલેન્ડના રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં ઇયાન વિલ્મટ અને તેમની ટીમે 5 જુલાઈ, 1996ના રોજ સર્વપ્રથમ 'ડૉલી' નામના ઘેટાનું સફળ ક્લોનિંગ કર્યું હતું.